ઇતિહાસ બનાવે ઈમારત, વર્તમાન રચે ઇતિહાસ...!
જે પોતાનો વર્તમાન શ્રેષ્ઠ બનાવે છે તે જ ઇતિહાસ બનાવી જતા હોય છે, ઈતિહાસમાંથી પસાર થતા આ એક વાત સમજાય છે. વળી એવી વ્યક્તિઓ પર નજર ફરે છે કે જે વર્તમાનમાં ઊદાહરણરૂપ કાર્ય કરી રહી હોય. આપણે જામનગરના આવા મહાનુભાવોની સિદ્ધિઓને તેમના કાર્યક્ષેત્ર મુજબ વહેંચીને જાણીએ, સમજીએ. એવા મહાનુભાવો કે જેમના કારણે જામનગર એ જામનગર છે.
#ધાર્મિક
• પીતાંબર ભટ્ટ 🙏
કહેવાય છે કે પીતાંબર ભટ્ટે જામ રાવળને નગરની સ્થાપના વખતે થાંભલી રોપવા માટેનું સ્થળ બતાવેલું. તેમના વડવા શ્રીપદ ભટ્ટ પર હનુમાનજી પ્રસન્ન થયેલા અને ત્યારથી ભટ્ટ પરિવારને વચનસિદ્ધિનું વરદાન પ્રાપ્ત થયેલું એમ કહેવાય છે. એક વેપારીના સાત વહાણ વિષે કોઇ જાણકારી ન હતી તે સમયે પીતાંબરજીએ બજરંગબલીની અનુમતિ વગર વહાણ સલામત આવી જશે તેવું વચન પાળ્યું. હનુમાનજી નારાજ થયા, વચન સિદ્ધ થયું, પણ હનુમાનજી ચાલતા થયા. હનુમાનજીએ જ્યાં-જ્યાં વિશ્રામ લીધો ત્યાં-ત્યાં અનુક્રમે ચોબારા, દાંડિયા, તળાવની પાળના અને ફૂલિયા એમ ચાર સ્થાનકો થયા. તળાવની પાળનું મંદિર બાલા હનુમાન તરીકે ઓળખાય છે અને ગિનિશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં ‘અખંડ રામધૂન’નો રેકોર્ડ પણ ધરાવે છે.
• ગુરૂ દેવચંદજી – શિષ્ય પ્રાણનાથજી🙏
પ્રણામી ધર્મના સ્થાપક દેવચંદજી મહારાજનો જન્મ ઉમરકોટમાં થયો હતો. પણ અગિયાર વર્ષની ઉંમરે એવી ગાઢ અનુભૂતિ થઇ કે સંસાર નિરર્થક લાગવા લાગ્યો.કચ્છમાં ગયા અને આત્મચિંતનમાં સમય ગાળ્યો,કોઇપણ ધર્મમાં શ્રદ્ધા ના બેસતા સન્યાસ લીધો, અનેક ધર્મોનું અધ્યયન કર્યું છતાં કોઇ નિષ્કર્ષ પર આવી શક્યા નહીં, આવી સ્થિતિમાં નવાનગર પહોંચ્યા.ચાલીસ વર્ષની વયે શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો.
દેવચંદજીના શિષ્ય પ્રાણનાથજીએ ગુરૂની આજ્ઞાથી ધર્મપ્રચાર કર્યો. ગુરૂજી પરમલોક ગયા બાદ પણ તેમણે ધર્મોપચાર જાળવી રાખ્યો. ઓરંગઝેબના સમયમાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા માટે આપેલા પ્રવચનોની ખૂબ અસર થયેલી. તેમણે લખેલો ‘કુલજમ સ્વરૂપ’ ગ્રંથ પ્રણામી સંપ્રદાયમાં પવિત્ર માનવામાં આવે છે અને સંપ્રદાયના દરેક મંદિરમાં તેની પૂજા કરીને વસ્ત્રાલંકાર ધરવામાં આવે છે.
#સેવાકીય
• માણેક ત્રિપુટી (દેવભૂમિ દ્વારકા)–🙌
આમ તો તેઓ ‘સોરઠી બહારવટિયા’ કહેવાયા. પણ અંગ્રેજો સામેના ૧૮૫૭ના વિપ્લવમાં તેમનું યોગદાન કોઇ કાળે ભૂલી ના શકાય. મોભી જોધાભા માણેક, વચ્ચે દેવાભા અને પાયામાં મૂળુ માણેક.કહેવાય છે કે ૧૮૬૬માં જોધા માણેક અંગેજો સામેના યુદ્ધમાં શહાદતને વર્યા પછી દેવાભાએ મૂળુને શૂરાતન ચડાવેલું.અંગ્રેજો પાસેથી દ્વારકાનો કબજો મેળવ્યા પછી માણેક પરિવારના શૂરવીરોનો હુંકાર હતો કે,“ દ્વારકા આપણું છે, ઓખા પણ આપણું જ છે, અને ઓખામાં આપણું રાજ જ જોઈએ.”અંગ્રેજો પણ મૂળુને ‘બહાદુર મૂળુ’ તરીકે ઓળખતા. કહેવાય છે કે મૂળુનો એક હાથ મૂછો પર, બીજો તલવાર પર રહેતો, જો ત્રીજો હાથ હોત તો તે અંગ્રેજો સામે લડ્યા જ કરત.ત્રિપુટી માભોમ ખાતર ખપી ગઇ પછી ૧૮૬૯માં અંગ્રેજોએ તેમના વિરુદ્ધ અમરેલીમાં કેસ ચલાવેલો, જેમાં તેઓ નિર્દોષ સાબિત થયેલા.
• સંત આણંદાબાવા🙌
ધોરાજીમાં જન્મેલા આણંદજી બાળપણથી જ બીજાને ખવડાવી રાજી થનાર. તેમની પરોપકારી વૃતિની સમાજમાં ટીકા થવા લાગી, મા-બાપે પણ સાથ ના આપતા ઘર છોડી ચાલી નીકળેલા, સોની કામ વારસામાં મળેલું, જાણવા મળ્યું કે જામનગરમાં સોની કામ મળી રહેશે. પાંચ કોરીના મહેનતાણામાંથી સાડા ચાર કોરીના દાળિયા બાળકો, સાધુ, ગરીબોને ખવડાવતા. (નગરના મુખ્ય માર્ગ પર આવેલો એ વિસ્તાર પાછળથી આણંદાબાવાના ચકલા તરીકે ઓળખાયો.) ધીમે-ધીમે લોકો તેમનાથી પ્રભાવિત થઇ તેમના સત્કાર્યોમાં જોડાયા. તેમણે સોની કામ છોડી ઈશ્વરનો સાક્ષાત્કાર થતા પરમાર્થમાં ઝંપલાવ્યું. પ્રજાએ પણ ઉમળકાભેર સાથ આપતા દાળિયામાંથી આગળ વધીને અન્નક્ષેત્ર સુધી સેવા પહોંચી.એ સમયમાં દ્વારકા આવતા સંત-મહંતો જામનગરમાં આવતા અને એમના સેવાકાર્યથી પ્રભાવિત થઇને જતા. ત્યાં સુધી કે ત્યારે જામનગર ‘ આનંદાબાબાકા જામનગર’ તરીકે ઓળખાતું. ૯૯ વર્ષના તેમના દીર્ઘાયુ બાદ એક પછી એક શિષ્યોએ પરંપરા જાળવી રાખી. આજે પણ શ્રી દેવપ્રસાદજી અનેક સેવા પ્રવૃતિઓ લીમડાલાઈન વિસ્તારમાં આવેલા આશ્રમમાં ચલાવે છે.
• શેઠ પુરૂષોતમ વિશ્રામ માવજી (દેવભૂમિ દ્વારકા)🙌
પુરૂષોતમની વય બે વર્ષની હતી ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી. પિતા શ્રીમંત હતા, માતાએ તેમનો પૈસો સારા માર્ગે વાપર્યો. તેમણે ગોમતી નદીના કિનારે ગુગળી બ્રાહ્મણ અને બ્રહ્મપુરી તથા બાળકોના શિક્ષણ માટે અભ્યાસગૃહ બંધાવી આપ્યા, આમ દાની હોવાનો ગુણ તેમને મા પાસેથી વારસામાં મળ્યો એમ કહી શકાય. તેઓ કેટલીય વેપારી પેઢીઓ બેંક અને માર્કેટમાં ડાયરેક્ટર પદે રહ્યા.
તેમણે મહાબળેશ્વરમાં ‘કૃષ્ણાવ્યુ’ સેનેટોરિયમ તથા ‘મહારાણા છત્રસિંહ જીમખાના’ની સ્થાપના કરેલી. દ્વારકા મધ્યે સિંધુસદન તથા પૂર્વજોના સ્મરણાર્થે અલગથી સ્મારક બંધાવેલ જે તેમની કલાદ્રષ્ટિના અજોડ નમૂનાઓ છે. ઓખામંડળની વાઘેર કોમ માટે તેમણે અનેક સ્માજોત્કર્ષના કાર્યો કર્યા.
તેઓ ઇતિહાસ, કલા, સાહિત્યના પણ ઉત્તમ ઉપાસક તથા જાણકાર હતા. તેમના પહેલા પત્નીના મૃત્યુ વખતે શ્રુતિ-સ્મૃતિ વગેરે ધર્મગ્રંથોનું મંથન કરીને તેમાંથી ‘માનવ ધર્મમાલા’ નામનું પુસ્તક તૈયાર કરેલું. તેમણે ‘લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ પ્રેસ’ મુંબઈમાં સ્થાપ્યું. તેમણે સચિત્ર સામયિક ‘સુવર્ણમાલા’ છપાવી ખાસ્સી લોકપ્રિયતા મેળવેલી. ઈ.સ. ૧૯૧૧માં ઇંગ્લેન્ડનાં રાજા જ્યોર્જના રાજ્યારોહણ વખતે તત્કાલીન રાજાઓનો એક ચિત્ર સંગ્રહ તેમણે પ્રસિદ્ધ કરેલો તે આજે બેજોડ અને અપ્રાપ્ય ગણાય છે.
તેમના સમકાલીન પ્રખ્યાત ચિત્રકાર એમ.વી.ધુરંધર, ચલચિત્રના પિતામહ ફાળકેસાહેબ તથા ફોટોગ્રાફર દેવારે શેઠ પાસેથી કલા સાંત્વના તથા સદભાવના મેળવતા. શેઠ પુરૂષોતમેં કરેલી ઓખામંડળની સેવા બદલ ગાયકવાડ સરકારે તેમને ‘રાજ્યરત્ન’નો એવોર્ડ આપેલ. મુંબઈ સરકારે તેમને જે.પી.નો ખિતાબ આપ્યો હતો.
• શ્રી એમ.પી.શાહ🙌
‘સૌરાષ્ટ્રના ભામાશા’ તરીકે ઓળખાયેલા એમ.પી.શાહે પહેલી નોકરી ૫ રૂપિયાના માસિક પગારથી કરેલી એ કોઇ માની શકે! ત્યારબાદ આફ્રિકા જવા વિચાર્યું અને ગયા પછી પણ વર્ષોની જહેમતના અંતે ખૂબ ધન કમાયા. ૧૯૩૬માં વિમાનની મુસાફરી દરમિયાન લાગેલ થડકા પછી જીવનની દિશા બદલાઈ અને વૈરાગ અને દાનના માર્ગે વળ્યા. જામનગરમાં એમ કહી શકાય કે પ્રસુતિ પછી બાળકના જન્મથી શરૂ કરીને શિક્ષણ, વાંચન, વેપાર,મનોરંજન, વૃદ્ધાવસ્થા સુધી બધું જ તેમના દાનથી શરૂ થયેલી અથવા વિકસેલી સંસ્થાઓમાં જ થાય. એમ.પી.શાહ મેડીકલ કૉલેજ, કોમર્સ, આર્ટસ, લો કૉલેજ, પુસ્તકાલય, ટાઉનહૉલ, વૃદ્ધાશ્રમ, વગેરે તો માત્ર તેમના દાનની ઝાંખી છે.
૧૯૫૪માં ઢેબરભાઈની સરકારે વચન આપ્યું કે મેઘજીભાઈ (એમ.પી.શાહ) જેટલું દાન આપે તેટલી જ બીજી રકમ સરકાર ભેળવશે અને માત્ર ૬૦ મિનિટની મુલાકાતમાં તે સમયે તેમણે સાઠ લાખ રૂપિયાનું દાન આપેલું!
ભારત સરકારે તેમની રાજ્યસભામાં માનદ નિમણૂંક કરેલી.
સૌરાષ્ટ્રના ૩૦૦ ગામડાઓમાં શાળાઓ, ૮૦૦ ગામડાઓમાં પુસ્તકાલયો, ૩૦ સ્થળે દવાખાનાઓ, છાત્રાલયો, એ તેમના ઉદાર હાથના સાક્ષી છે, તેમના આયોજનનાં કારણે સંસ્થાઓ હજી પણ સરસ રીતે ચાલે છે,આજે પણ દરેક સંસ્થાઓમાં તેમના પુત્રો વિપિનભાઈ અને અનંતભાઈ હજુ પણ દાન કરે છે.
સુરેન્દ્રનગર, ભાવનગર, મુંબઇ, દિલ્હી, કડી, નાયરોબી, થીકા, લંડન, કેન્યા તેમને જ્યાં પણ અને જે કાર્યમાં અવસર મળ્યો ત્યાં દાન કરવાનું ચૂક્યા નથી.
• મંજુલાબહેન દવે🙌
મંજુલાબહેન દવેનું નામ પડે એટલે જામનગરવાસીઓને ‘વિકાસ ગૃહ’ યાદ આવે! જિંદગીમાં અન્ય ઘણા કામો કર્યા, પણ જે બીજને રોપી અને વટવ્રુક્ષ બનાવવામાં જિંદગી સમર્પિત કરી તે ‘વિકાસ ગૃહ’માં સ્ત્રીઓ માટે હાલમાં પચ્ચીસથી વધુ પ્રવૃતિઓ ચાલે છે.
જામનગરમાં મેટ્રિક પાસ થનાર તેઓ સૌ પ્રથમ વિદ્યાર્થીની હતા!
વિકાસગૃહ શરૂ થયું ૧૯૫૫માં પણ તે પહેલાથી જ મંજુલાબેનનાં વિચારો ક્રાંતિકારી અને સેવાભાવી હતા. અભ્યાસ માટે સ્કૂલમાં એક માત્ર વિદ્યાર્થીની હોવાથી લઇને સસરાને ત્યાં લાજ કાઢવાની પ્રથાને પોતાની સૂઝ સમજથી દૂર કરવી, કે પછી જે પણ સ્થળે જીવવાનું થાય ત્યાંના મહિલા મંડળમાં આગળ પડતું કામ કરવાનું હોય, નાના બાળકને સાસુ-સસરા પાસે મૂકીને બાળશિક્ષણના પ્રણેતા મેડમ મોન્ટેસરી પાસે અડ્યારમાં પહોંચી જવું, તેમના નિર્ણયો હંમેશા અલગ જ રહેતા.
તેમના મનમાં સામાજિક મહિલા ઉત્કર્ષ અને બાળઉત્કર્ષ પણ અગ્રેસર રહ્યો. ૧૯૫૬થી સતત ૧૯૮૮ સુધી તેઓ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના માનદમંત્રી રહ્યા. ૧૯૮૮ બાદ જીવનપર્યંત પ્રમુખ રહ્યા. બાળઅદાલત હોય કે મુક્ત થયેલા કેદીઓની સહાયક મંડળી, સમાજ કલ્યાણસંઘ હોય કે સ્વાસ્થ્ય સંઘ તેઓ ઉચ્ચપદે બિરાજતા રહ્યા, અને મહત્વનું છે કે માત્ર બિરાજવા નહીં કામ કરવા માટે તેમણે આ હોદ્દાઓ સ્વીકાર્યા.
૧૯૫૭ થી ૧૯૬૭ વચ્ચે સતત બે ટર્મ માટે અલગ-અલગ સ્થળોએ ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
તેમને મળેલા સન્માન અને એવોર્ડ્સમાં મુખ્યત્વે ૧૯૮૩ના વર્ષમાં શ્રેષ્ઠ બાળકલ્યાણ પ્રવુતિ માટે ‘સન્માન અને પ્રશસ્તિપત્ર’, ૧૯૮૭માં ભારત સરકારના મહિલા તથા બાળવિકાસ વિભાગ (માનવસંશાધન અને વિકાસ મંત્રાલય) દ્વારા બાળકલ્યાપણ માટે પારિતોષિક, અભિવાદન અને પ્રશસ્તિપત્ર, ૧૯૯૨માં ગુજરાત સરકારના સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડ દ્વારા સન્માન, ૧૯૯૯માં મહિલા સુરક્ષા ક્ષેત્રે કામગીરી માટે ગુજરાત સરકાર દ્વારા સન્માનને મુખ્ય ગણી શકાય. જામનગરની જનતા, મહાનગરપાલિકા અને સંસ્થાઓએ પણ તેમના યોગદાનને સમયાંતરે બિરદાવ્યું છે. ૧૯-૦૬-૨૦૧૫ના જન્મેલા મંજુલાબેનની યાદમાં આ વર્ષ દરમિયાન જામનગર તેમની જન્મશતાબ્દી ઊજવી રહ્યું છે.
#શૈક્ષણિક🗒️📚
• કેશવજી શાસ્ત્રી
જામનગરને છોટી કાશી ગણવામાં આવતું હોય તો તે આ ગુરૂવર્ય અને તેમના શિષ્યોને આભારી છે. એમ કહેવાય છે કે પિતાના અવસાન બાદ ઓછી ઉંમરમાં ભણવામાં ચિત ના લાગતું હોવાથી અચાનક બનારસ જતા રહેલા. વર્ષો પછી પાછા આવ્યા ત્યારે મહાપંડિત બનીને આવેલા. તેમણે જ્યારે નગરના પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા તો જામ રાજવીએ તેમની હાથી પર સવારી કાઢેલી. એક સાંકડી ગલીમાં પહોંચ્યા ત્યારે તેમણે ઊતરીને કમાડ ખખડાવ્યા ત્યારે અંદરથી વૃદ્ધાનો અવાજ આવ્યો, ‘કોણ’ ત્યારે તેમણે કહ્યું ‘ એ તો હું તારો કેશવો છું.’ ઝવેરચંદ મેઘાણીની કથામાં આ વર્ણન હોવાથી થોડા કાલ્પનિક રંગો હોઇ શકે.
‘તિથી પંચામણી’ નામનો ગ્રંથ રચીને પંચાંગ બનાવનારનું કાર્ય સરળ કરી આપ્યું છે. સૌરાષ્ટ્રમાં સંસ્કૃતભાષાશાસ્ત્રનો પદ્ધતિસર અભ્યાસ કરાવનાર કદાચ તે પહેલા આચાર્ય હશે, માટે તેમનો શિષ્ય વર્ગ બહોળો રહ્યો.
તે વખતના દ્વાર્કાપીઠના શંકરાચાર્ય માનતા કે જગતમાં અજ્ઞાનનો અંધકાર છે, માટે દિવસે પણ સવારી આગળ મશાલ જલાવી રાખતા. તેમની સવારી જામનગરમાંથી નીકળી ત્યારે કેશવજી અને તેમના શિષ્યોએ સિદ્ધ કરી બતાવેલું કે જામનગરમાં અજ્ઞાનનો અંધકાર નથી. શંકરાચાર્ય પ્રસન્ન થયેલા અને કેશવજીનું સન્માન કરેલું.
• કલ્યાણરાય જોશી (દેવભૂમિ દ્વારકા)–📚🗒️
કલ્યાણરાય જોશીનું બાળપણ દ્વારકામાં રહ્યું, અભ્યાસમાં આગળ વધવા મુંબઇ ગયા, પિતાના મૃત્યુના સમાચારે પાછા વળ્યા અને ત્યારબાદ ફીઝીક્સ અને કેમેસ્ટ્રી સાથે બી.એ.કર્યું. ઈ.સ. ૧૯૦૯માં જે ભણ્યા એ.વી.સ્કૂલમાં આચાર્ય પદનો સ્વીકાર કર્યો. તેમના હાથ નીચે મૂળશંકર ભટ્ટ તથા ડૉ.જયંતિલાલ ઠાકર જેવા વિદ્યાર્થીઓ ભણી ગયા.
તેમનું દ્વારકા માટે મહત્વનું યોગદાન કહી શકાય એન,ડી,એચ. હાઈસ્કૂલ. ગૂગળી આગેવાન છગનલાલ જગજીવન ઠાકર અને નાથીબાઈ દામોદર હલ્લુ ટ્રસ્ટમાં તે સમયમાં ૩૦,૦૦૦ રૂપિયા એવા પડ્યા હતા જે ફક્ત બ્રાહ્મણોની કેળવણી માટે વાપરવાના હતા. તે સમાજના સર્વજ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વપરાય તેવા ઉદ્દેશથી તેમણે મહાજનો અને ટ્રસ્ટને વિશ્વાસમાં લઇ એન.ડી.એચ. સ્કૂલની સ્થાપના કરાવી.
ત્યારબાર તેમના પ્રયત્નોથી દ્વારકામાં સાર્વજનિક પુસ્તકાલય, મહિલા પુસ્તકાલય અને બાળ પુસ્તકાલયના દ્વાર ખુલ્યા.તેમના પ્રયત્નોથી પુરૂષોતમ વિશ્રામ માવજી મહાલયે ટ્રસ્ટની સ્થાપના કરી કન્યાશાળાના દ્વાર ખોલ્યા.
તે સમયના શંકરાચાર્ય શ્રી અભિનવ સચ્ચિદાનંદ અને કલ્યાણરાયના પ્રયત્નોથી શારદાપીઠ વિદ્યાલય આર્ટસ અને કોમર્સ કૉલેજની સ્થાપના થઇ. ત્યારબાદ તેમાં સંલગ્ન સંસ્કૃત અકાદમી ‘ભારતીય વિદ્યા સંશોધન મંદિર’ ની સ્થાપના કરવામાં આવી. તેમના શુદ્ધ કર્મઠ અભિગમને કારણે શારદાપીઠે તેમને ‘વિદ્યાભાસ્કર’ની પદવીથી નવાજ્યા.
તેમણે ૨૫ પુસ્તકો લખ્યા. તેમના ગુગળી બ્રાહ્મણ વિશેના ૩૫ પાનાના લેખ અને ઓખામંડળના ૪૨ ગામોના મંદિરોના ઈતિહાસ વિષેના કાર્યને બેજોડ કહી શકાય.
તેમના મહત્વના યોગદાનોમાં વાઘેર કોમ અને ગાયકવાડ સરકાર વચ્ચેની કડીરૂપ ભૂમિકાને લઇ શકાય. ‘હથિયારથી નહીં પણ શિક્ષણના પ્રકાશ તથા સદભાવે વાઘેરોને જીતવા જોઈએ’ તેવું તો પોતે માનતા અને સરકારને મનાવ્યું. ફળ સ્વરૂપે વરવાળા ગામે વાઘેર બોર્ડીંગની સ્થાપના થઇ.
તેમના પચોતેરમાં વર્ષે ‘અમૃત મહોત્સવ ઉજવણી’માં જે ધનદાન મળ્યું તે શિક્ષણમાં વાપરવા માટે પરત કર્યું! ૯૧ વર્ષ જીવ્યા અને જીવ્યા ત્યાં સુધી દ્વારકાના શિક્ષણ, કેળવણી, સાહિત્ય અને પુરાતત્વક્ષેત્રે કામ કરતા રહ્યા.
#આયુર્વેદ અને #તબીબીક્ષેત્ર
• વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ 🏥
ઝંડુ નામથી જેમના વંશજોએ પાછળથી ફાર્મસી શરૂ કરી એમનું મૂળ નામ કરૂણાશંકર વિઠ્ઠલજી ભટ્ટ. તેમના માતુશ્રીએ કંઇક માનતા લીધેલી એ કારણે માથા પર વાળનું ઝુંડ રહેતું, તેમાંથી સૌ તેમને ‘ઝંડુ’ કહેવા લાગ્યા!
તેમના પિતા રાજવૈદ્ય હતા, તેમની પાસેથી ઔષધો બનાવતા શીખ્યા. આયુર્વેદ ગ્રંથોનો અભ્યાસ ઉપરાંત વગડામાં ફરી અવલોકન કરતા રહેતા. તેમનું આગળ આવવાનું કારણ તેમની આપસૂઝ જ હતી. પિતા ઉપરાંત વિવિધ ગુરૂઓ પાસેથી વેદાંત, ચરક સુશ્રુત અને વૃદ્ધયત્રી પણ ભણ્યા.
તેમને ૨૫ કોરીથી શરૂઆતમાં સાથી રાજવૈદ્ય તરીકે જોડાવાનું થયું. એક વાર જામ રણમલ બીમાર પડ્યા ત્યારે બધા જ વૈદ્ય તેમના જીવન વિષે ખોટું આશ્વાસન આપતા, ત્યારે ઝંડુજીએ યુવરાજ વિભાજીને નમ્રતાપૂર્વક જામસાહેબ બચી શકે તેમ ના હોવા વિષે જણાવ્યું. બાદમાં જ્યારે યુવરાજ ગાદી પર આવ્યા ત્યારે તેમને મુખ્ય રાજવૈદ્ય તરીકે નીમ્યા.
તેમણે પોતાના ભાઈ મણિશંકરના સહયોગથી રંગમતી નદીના કિનારે સુખનાથ મહાદેવ મંદિર પાસે રસશાળા ઔષધ આશ્રમની સ્થાપના કરી. ખૂબ બધા ઔષધો બનાવીને સંગ્રહ કર્યા. ૧૯૨૦માં તેમણે આયુર્વેદના વિકાસની શરૂઆત કરી.દર્દીઓને રહેવાની સગવડ કરી આપી, ત્યારે હૉસ્પિટલનો ખ્યાલ પણ હજુ વિકાસ નહોતો પામ્યો. ભારતભરમાં એ પ્રયાસ ત્યારે કદાચ સૌથી પહેલો હતો. તે ઉપરાંત તેમણે આયુર્વેદ શીખવવું પણ શરૂ કરેલું.
આયુષ્યનું પ્રમાણ જાણવા મૃત્યુની નોંધની પ્રથા તેમણે જામનગરમાં ફરજિયાત કરાવેલી.
તેમણે વિડંગતંડુલ નામની દવા બનાવી જે અસાધ્ય રોગોને મટાડવામાં બહુ ઉપયોગી થતી.તેમનો અપ્રયોગ તેમના પોતાના પ્રિય પ્રયોગોમાંનો એક ગણાય છે.
તેમની રસશાળામાં કે તેમની દેખરેખ હેઠળ જે દર્દીની સારવાર થાય તે સાજો ના થાય તો તે દવાના પૈસા કે મહેનતાણું પણ ના લેતા! એકવાર જસદણના દરબાર આલા ખાચરની કુંવરી બીમાર પડી તેઓ ત્યાં સારવાર આપવા ગયા અને તેને સાજી ના કરી શક્યા, તેમણે પૈસા તો ના જ લીધા, પણ જેટલું રોકાણ થયું તે દરમિયાન ત્યાંના બીજા ૧૭૦૦ દર્દીઓની સારવાર આપી.
સંવત ૧૯૩૧થી ૧૯૩૩ સુધી તેઓ જામનગર મ્યુનિસિપાલીટીના પ્રમુખપદે રહેલા. તે સમયમાં તેમણે ખૂબ પ્રશંસનીય સુધારા-વધારા કર્યા. તેમની ખ્યાતિ દેશ-વિદેશમાં હતી. તેમને આયુર્વેદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવું હતું. પણ કુટુંબીજનો વિરોધ કરતા જામનગરમાં રહીને જ આયુર્વેદ માટે કામ કરે રાખ્યું.
ઈ.સ. ૧૮૯૮માં હૃદયરોગથી તેમનું મૃત્યુ થયું. ત્યારે જામનગરમાં સ્વયંભૂ હડતાલ પડી ગયેલી જાણે. જામનગર સદાય આયુર્વેદમાં તેમના યોગદાન માટે તેમનું ઋણી રહેશે.
• ડૉ.પ્રાણજીવન મહેતા🏥
જેમના પ્રયત્નો અને ખંતના કારણે જામનગરમાં પહેલા આયુર્વેદ કૉલેજ અને હૉસ્પિટલ અને ત્યારબાદ યુનિવર્સીટી સ્થપાઈ તે ડૉ.પ્રાણજીવન મહેતા પોતે એમ.ડી. એમ.એસ. હતા!
તે સમયમાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ જામનગર પૂરો કર્યા બાદ મુંબઈ જવું પસંદ કર્યું. ડૉક્ટર થયા પછી તેઓ પુનાની યરવડા જેલમાં મેડીકલ ઓફિસર તરીકે જોડાયા.ખ્યાતિ મળતા નોકરી છોડી અને મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં ખાનગી દવાખાનું કર્યું.
એકવાર મહારાજા રણજીતસિંહજી મુંબઈ થઈને હૈદરાબાદ નિઝામને મળવા જવાના હતા. તેમને ધ્યાનમાં આવ્યું કે ડૉ.મહેતા ખૂબ પ્રખ્યાત છે અને જામનગરના છે. તેમને બોલાવીને સાથે હૈદરાબાદ લઇ ગયા. પરત ફરતા તેમને જામનગર આવવા વિનંતિ કરી અને નવી બની રહેલી ઈરવીન હૉસ્પિટલમાં નોકરી આપવાની ખાતરી આપી. ત્યારના નિયમ મુજબ તેમને ચીફ મેડીકલ ઓફિસર બનાવવા માટે જરૂરી એમ.એસ.ની ડીગ્રી હતી નહીં અને તે પોતે તેનાથી નીચેના હોદ્દા પર કામ કરવા માંગતા નહોતા. એટલે એ ઉંમરે એમ.એસ. થયા.
બન્યું એવું કે જામ રણજીતસિંહજી અવસાન પામ્યા. અંગ્રેજ ડૉક્ટર થોમસ જે તે વખતના ચીફ ઓફિસર હતા તે સમયસર સારવાર ના આપી શક્યા હોવાથી જામ રણજિતસિંહ બચી ના શક્યા, માટે નવા જામ દિગ્વિજયસિંહે ડૉ.પ્રાણજીવન મહેતાને બોલાવ્યા અને તેમને હોદ્દો સંભાળવા કહ્યું. એ સમયે તેમને માસિક ૧૫૦૦ પગાર, કાર તથા બંગલો આપવામાં આવતો. જે તે વખતના સ્ટેટના કોઇપણ અમલદાર કરતા વધારે હતો. વળી તેમને ખાનગી દવાખાનાની પણ છૂટ આપવામાં આવેલી!
પોતાને થયેલી કોઇ બિમારી એલોપેથીથી ના મટી અને આયુર્વેદથી જ મટી, પછી તેમની આયુર્વેદમાં શ્રદ્ધા ખૂબ જ વધી. તેમણે હાથીભાઈ શાસ્ત્રી પાસે સંસ્કૃત શીખ્યું. એટલું જ નહીં તેમણે એક અસ્વિમરણીય કાર્ય કર્યું, ચરકસંહિતાનું છ ભાગમાં ભાષાંતર કર્યું! ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં ભાષાંતર થયેલી કૃતિઓનું ઈ.સ. ૧૯૪૯માં મહારાજ દિગ્વિજયસિંહ અને મહારાણી ગુલાબકુંવરબાની સહાયથી પ્રકાશન થયું. ત્યારબાદ આયુર્વેદના વિકાસને જબરો વેગ મળ્યો.
તેમની દૂરદ્રષ્ટીને કારણે જ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી સ્થપાય અને ત્યારબાદ વિખ્યાત ધનવંતરી મંદિરનો પાયો નંખાયો. તે સમયે બધું જ કાર્ય નકશા પ્રમાણે થાય છે કે નહીં તે સતત ડૉ.પ્રાણજીવન મહેતા તપાસતા.
• ડૉ.સી.પી.શુક્લ 🏥
‘Encyclopedia of Ayurveda’ તરીકે ઓળખાતા ડૉ.સી.પી.શુક્લનો જન્મ ભુજમાં. તે સમયમાં એટલે કે યુવા વયે ઈ.સ. ૧૯૪૩માં તેઓએ આયુર્વેદમાં ઊચ્ચ ગણાતી L.A.M. (લાયન્સીએટ ઇન આયુર્વેદિક મેડિસિન)ની ડીગ્રી પ્રાપ્ત કરી, તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠની ‘આયુર્વેદ વિશારદ’ની ડીગ્રી પણ પાસ કરી.
આયુર્વેદના વિકાસ માટે તે સમયે ડૉ.પ્રાણજીવન મહેતાને યોગ્ય વ્યક્તિની જરૂર હતી. શ્રી પી.ડી.શુક્લ પાસે આયુર્વેદની અનેક હસ્તપ્રતો હતી, તે મેળવવા માટે મહેતાસાહેબ ભુજ ગયા અને ડૉ.સી.પી.શુક્લમાં પડેલી અપાર શક્યતાઓને પારખીને તેમને સાથે જામનગર લઇ આવ્યા.
૧૯૪૬માં જામસાહેબ અને ગુલાબકુંવરબા એ સમયે ગામડાઓમાં આયુર્વેદ ડૉક્ટર્સની મેડીકલ ઓફિસર તરીકે નિમણૂંક કરતા, તેમની આયુર્વેદ પ્રત્યેની નિષ્ઠા એટલી કે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે આયુર્વેદને ધનપ્રાપ્તિ સામે પ્રાધાન્ય આપ્યું. અગાઉ ઉલ્લેખ કર્યો તે મહેતાસાહેબે હાથમાં લીધેલા અનુવાદના કાર્ય માટે બનેલી કમિટીમાં શુક્લસાહેબે ખૂબ મહેનત લીધેલી.
સતત નવા રોગો અને તેની વિલાયતી દવાઓની શોધખોળ વચ્ચે તે સમયે તેમણે જઆયુર્વેદ કંઇ રીતે લાગુ પડી શકે તે સમજવા માટે ઈરવીન હોસ્પિટલમાં એલોપેથીનો પણ અભ્યાસ કર્યો!
૧૯૫૪માં તેઓ આયુર્વેદ કૉલેજના આચાર્ય બન્યા.
કાયચિકિત્સા વિભાગના વડા તરીકે તેમણે ૫૦૦થી વધુ એમ.ડી.ના અને પાંચ જેટલા પી.એચ.ડી.ના મહાનિબંધોમાં ગાઈડ તરીકે કામ આપ્યું, જે એક અનેરી સિદ્ધી છે.
૧૯૬૫માં ગુજરાત રાજ્ય આયુર્વેદ નિયામક તરીકે નિમાયા, પણ તે હોદ્દો તેમના આયુર્વેદના સતત સંપર્કમાં રહેવાને અનુરૂપ નહોતો. એટલે ફરી કૉલેજમાં પરત ફર્યા.
તેઓ ૧૯૭૭માં પાઠ્યક્રમ સમિતિમાં પ્રમુખપદે રહ્યા અને તેમના વડપણ હેઠળ અભ્યાસક્રમમાં કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા.
તેમને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવતા બનારસ હિન્દુ યુનિવર્સીટીમાં સેવાઓ આપેલી.
૧૯૮૪-૧૯૮૫ દરમિયાન વિદેશમાં ખૂબ વ્યાખ્યાનો આપ્યા. મનીલા, જાપાન, અમેરિકા,ટોરેન્ટો, બ્રાઝિલ,હોલેન્ડ વગેરે સ્થળો તેમાંથી ઉલ્લેખનીય અને મુખ્ય છે.
ભારત સરકારે આયુર્વેદની જૂની ગુરૂ-શિષ્ય પરંપરાને સાથે રાખીને આયુર્વેદ સંશોધન કાર્ય અને તલસ્પર્શી અભ્યાસ કરવા માટે જુદી-જુદી સંહિતાના ગુરૂઓ ભારતભરમાંથી નક્કી કરવામાં આવ્યા તેમાં ચરકસંહિતા માટે માન્યગુરૂ તરીકે તેમને પસંદ કરાયેલા.
‘ Domestic Medicine & Ayurvedic Remedies’ વિષયક તેમનું પુસ્તક પણ તેમની યશકલગીમાં ઉલ્લેખનીય છે.
તેમને મળેલા સન્માનમાં અમેરિકા તરફથી મળેલો ‘મહર્ષી એવોર્ડ’, રાજસ્થાન ચિકિત્સક સંઘ દ્વારા ‘આયુર્વેદ માર્તન્ડ’, વડોદરામાં ‘આયુર્વેદ મહામહોપાધ્યાય’,ભાવનગરમાં ‘આયુર્વેદ મહારથી’ વગેરે સન્માન તથા એવોર્ડ્સ ઉલ્લેખનીય છે.
જામનગરની તેમણે માત્ર પ્રાદ્યાપક તરીકે જ નહીં નિવૃત થયા બાદ ચિકિત્સક તરીકે પણ સેવા કરી છે.
• ડૉ.કે.એમ.આચાર્ય 🏥
તાજેતરમાં પદ્મશ્રી સન્માન મેળવનાર ડૉ.કે.એમ.આચાર્ય આ પુરસ્કાર તેમના રક્તપિતના દર્દીઓને સમર્પિત કરે છે. ૧૯૭૭માં જ્યારે તેમણે આ કાર્ય હાથમાં લીધું ત્યારે ૪૫૦૦૦ દર્દીઓ હતા, હાલમાં સમગ્ર વિસ્તારમાં માત્ર ૯૮ દર્દીઓ છે. જે સારવાર હેઠળ છે. સતત ૪૦ વર્ષોથી આ રોગના દર્દીઓ માટે નિ:શુલ્ક કાર્ય કરનાર આચાર્યસાહેબ એટલેથી નથી અટકી જતા, આ દર્દીઓના સામાજિક અને આર્થિક સ્વાવલંબન પર પણ એટલું જ ધ્યાન આપે છે. તેમણે ૧૦૦૦ ઉપરાંત કેમ્પ કર્યા છે અને રક્તપિતના દર્દીઓ જોવા મળતા તેમને તાત્કાલિક અને વહેલામાં વહેલી સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ રહ્યા છે. તેમણે ચામડીના ચાર લાખથી પણ વધુ દર્દીઓ જોયા છે. ૧૦૦૦ દર્દીઓને પ્લાસ્ટિક સર્જરીની જરૂર લાગતા તેમને આશરે ૧૫૦૦૦ રૂપિયાના ખર્ચે થતી આ સારવાર વિનામૂલ્યે કરાવી આપવાની વ્યવસ્થા કરાવી આપી, એટલું જ નહીં તેમના પગમાં ઘારા કે ચાંદા ના પડે તે માટે જરૂરી MCR પ્રકારના બુટ જે આશરે ૬૦૦૦ દર્દીઓમાં જરૂર હતી તે વ્યવસ્થા પણ કરાવી આપી. ૯૦૦૦ દર્દીઓના વ્યવસાયિક સ્વાવલંબન માટે પણ તેમણે વ્યવસ્થા કરી આપી.
તેમના આ કાર્યની આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નોંધ વિવિધ સામયિકોમાં લેવાઈ. એટલું જ નહીં ઇન્ટરનેશનલ લેપ્રોસી એવોર્ડ, વિશ્વ ગુર્જરી એવોર્ડ, ચીફ મિનિસ્ટર એવોર્ડ અને રાજ્યપાલ એવોર્ડ બે વખત, ઉપરાંત કેટલાય એવોર્ડ્સથી તેમને સન્માનવામાં આવ્યા છે.
તેમની આ અવિરત યાત્રાનો વધુ લાભ દર્દીઓને મળે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમને સ્વસ્થ અને દીર્ઘ આયુ આપે.
• ડૉ.વી.એમ.શાહ 🏥
એક હળવી વાતથી ડૉ.વી.એમ.શાહનો પરિચય આપું તો જામનગરમાં ગલી-શેરીમાં ઝઘડી પડતા લોકો એક સમયે એવું કહેતા કે એવી રીતે તારા હાડકા ખોખરા કરી નાંખીશ કે વી.એમ.શાહ પણ સરખા નહીં કરી શકે! જામનગરની જી.જી.હૉસ્પિટલમાં ૧૯૬૮માં જોડાયા બાદ આઠ વર્ષે પોતાની એ વાત પર મક્કમ રહીને રાજીનામું આપ્યું કે એક ઓર્થોપેડિક પ્રોફેસરનું તો કંઇ જ કામ નથી જો વિધાર્થીઓને ભણાવવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપાર્ટમેન્ટ ના હોય. આખરે સરકારે એક વર્ષ બાદ તેમને ફરી બોલાવ્યા અને એ રીતે જામનગરની કૉલેજમાં ઓર્થોપેડિક વિભાગનો પોસ્ટ-ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ લાવવામાં સફળ થયા.
તેઓ વધુ પ્રચલિત થયા તેમની પોતાની હૉસ્પિટલથી અને એ પ્રસિદ્ધિ ભારતના સીમાડાઓને પાર સુધી પહોંચી. એનું કારણ તેમની ગુણવતા અને આવડત. તેઓ પોતાના કામને વધુને વધુ ચોકસાઈપૂર્વક કરવા માટે સ્થાપિત થઇ ગયા પછી પણ સતત સાત વર્ષ સુધી સ્વિસમાં સાયકોમોટર ડેવલપમેન્ટ માટે તેમજ અન્ય દેશોમાં પણ ઇન્ટરનેશનલ સેમિનાર અટેન્ડ કરતા રહ્યા, કરી રહ્યા છે. આ ઉંમરે પણ તેઓ વિશ્વ કક્ષાના સૌથી ઝડપી સર્જન્સમાં એક ગણાય છે.
• ડૉ.રાજેશ કોટેચા 🏥
ડૉ.રાજેશ કોટેચા હાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના કુલપતિ છે. હાલમાં જ સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો. આયુર્વેદને લગતી લગભગ કોઇપણ એવી સરકારી અને બિનસરકારી સંસ્થા નહીં હોય કે જેની સાથે કોટેચાસાહેબ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા ના હોય. તેઓ આંગળીમાં જેટલા વેઢા હોય તેટલા દેશોની વિવિધ યુનિવર્સીટીસ અને એકેડમી તથા સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં જયપુરમાં ૧૯૯૮માં બનાવેલું ચક્રપાણી આયુર્વેદ ક્લિનિક અને રીસર્ચ સેન્ટર પોતાની કાર્યશૈલી માટે વિશ્વભરમાં જાણીતું છે. પદ્મશ્રી ઉપરાંત તેમને મળેલા એવોર્ડ્સમાં મુખ્યત્વે હાકીમ અજમલ ખાન સોસાયટી નવી દિલ્હી દ્વારા મળેલ ‘વૈશ્વિક ચિકિત્સક એવોર્ડ’ તથા આંતરરાષ્ટ્રીય આયુર્વેદ ચિકિત્સા એકેડમી દ્વારા મળેલ ‘ આયુર્વેદ રામા’ એવોર્ડ મુખ્ય કહી શકાય.
#સંગીત
• આદિત્યરામ 🎶
આદિત્યરામને જામનગર લાવવાનો સંપૂર્ણ શ્રેય વ્રજનાથજી મહારાજને જાય.
આદિત્યરામ બાળપણથી જ સંગીત પ્રત્યે લગાવ ધરાવે, તેમને નવાબ બહાદુરખાને બાળપણથી જ દરબારમાં રાખી દીધેલા. શરૂઆતમાં દરબારમાં નન્નુખાન હતા તેમની પાસેથી સાત વર્ષ સંગીતની તાલીમ લીધી. તેમણે મૃદંગનું યોગવિદ્યા અને સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો. તેમણે યુવાવયે જ બહાદુરખાન પછી ગાદીએ આવેલા હામેદખાનને માત્ર પંદર દિવસમાં મૃદંગ બજાવતા શીખવેલું.
ઈ.સ. ૧૮૪૧માં પ્રખર ગાયક અને સિતારવાદક વ્રજનાથજીને મળ્યા ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને આગ્રહ કરીને આદિત્યરામને જામનગરમાં રાખી લીધા, જામ રણમલને કહી રાજદરબારમાં પણ રખાવી લીધા.
વ્રજનાથજી, આદિત્યરામ અને લાલા મહારાજની ત્રિપુટી એ સમયમાં સંગીતની ખૂબ રંગત જમાવતી. જામ વિભાજી ગાદીએ આવ્યા ત્યારે ત્યારે તેમને રાજગાયક તરીકે નીમેલા. તેમની યુવાવાયમાં તેઓ આદિત્યરામ પાસેથી સંગીતમાં ઘણું શીખેલા.
આદિત્યરામજીએ વ્રજનાથજી સાથે ભારતયાત્રા કરી દ્વારકાથી કલકતા અને દિલ્હીથી પુના-સતારા સુધી ગયા. જોધપુર, બિકાનેર, જયપુર, બુંદી-કોટા, ગ્વાલિયર, ઉજ્જૈન, મથુરા, કાશી, જગન્નાથપુરી વગેરે દરેક જગ્યાએ સભાઓ યોજી કાર્યક્રમો અને ચર્ચાઓ કરી. એ સમયના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારો જામનગરમાં આવી આદિત્યરામનું પખાજવાદન અને વ્રજનાથજીનું સિતારવાદન સાંભળતા.
તેમણે તૈયાર કરેલા સંગીતઆદિત્ય ગ્રંથમાં ગુરૂ વ્રજનાથજીના નામવાળા ધ્રુપદ,ધમાર, ખયાલ,હોરી વિગેરે અનેક ચીજો તેમણે રચેલી છે. ગાયનનો એક નવો પ્રકાર તેમણે રચ્યો. જેમાં કાવ્ય, સરગમ, તરાના અને તાલ એવા ચાર અંગો દાખલ કર્યા અને નામ આપ્યું ‘ચતુરંગ’.
વ્રજનાથજીના દેહાવસાન બાદ તેમણે જાહેર કાર્યક્રમો આપવાનું બંધ કર્યું. વિક્રમ સંવત ૧૯૩૭માં તેઓ પણ સ્વર્ગલોક તરફ ચાલ્યા. તેમના પુત્રો પૈકી લક્ષ્મીદાસજીએ ઈ.સ.૧૮૯૫માં અપ્રગટ ગ્રંથ ‘સંગીતઆદિત્ય’નું પ્રકાશન કર્યું.
સંગીતનું પ્રથમ વિદ્યાલય સૌરાષ્ટ્રમાં તેમને ફાળે જાય છે. તેઓએ વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા પણ કરેલી.
શ્રવણ, રૂપકુમાર અને વિનોદ રાઠોડના પિતા ચતુર્ભુજ રાઠોડ તેમના શિષ્ય રહી ચૂક્યા છે.
થોડા વર્ષો પહેલા આવેલ ‘લગાન’ ફિલ્મનું ગીત ‘ બાર બાર...” એ ‘આદિત્યરામ ઘરાના’ની ધૂન પરથી તૈયાર કરાયેલું છે. સંગીતમાં ઘરાનાનું બહુ જ મહત્વ રહ્યું છે. ‘આદિત્યરામઘરાના’ એ ગુજરાતનું એકમાત્ર ઘરાના છે.
#ક્રિકેટ
• જામ રણજીતસિંહજી 🏃
એક રાજવી જેને રાજવી તરીકે ઓછા અને ક્રિકેટર તરીકે હંમેશાં યાદ કરાય છે અને કરાતા રહેશે. જેમના નામથી પછી ‘રણજી ટ્રોફી’ શરૂ થઇ તે જામ રણજીત ‘રણજી’ બન્યા તે ઇતિહાસ જાણવા જેવો છે.
જામ રણજીતસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ પૂરો કરીને એ સમયમાં ઈ.સ.૧૮૯૦માં ઇંગ્લેન્ડ ગયા. કેમ્બ્રિજ યુનિવર્સીટીની ટ્રીનીટી કૉલેજમાં જોડાયા. તેમને ક્રિકેટનો ખૂબ શોખ, પણ ઈંગ્લેન્ડમાં તે સમયે માનવામાં આવતું કે ગુલામ પ્રજા ક્રિકેટને લાયક નથી.
ક્રિકેટનો શોખ એટલો કે પોતે દત્તક લેવાયેલા અને ગાદી પર બેસવાનું થશે એ વિષે વિચાર્યા વગર ક્રિકેટ રમવાનું કૉલેજની ટીમમાંથી ચાલુ કર્યું. તેમણે સતત સૌથી વધુ રન ફટકારવાનું ચાલુ રાખતા તેમને ‘કેમ્બ્રિજ ઈલેવન’ માટે પસંદ કરવામાં આવ્યા. ઈ.સ. ૧૮૮૫માં સસેક્સની ટીમ માટે તેમની પસંદગી થઇ. ૧૮૮૫ પછી તેમણે સતત એકથી કે ચડિયાતી ઇનિંગ્સ રમી. તેમનું રમત પર પ્રભુત્વ એટલું વધ્યું કે તેમણે એક પુસ્તક લખી કાઢ્યું ‘જ્યુબિલી બુક ઑફ ક્રિકેટ’. આ પુસ્તક ખૂબ વહેંચાયું અને પ્રશંસા પણ પામ્યું.
ઈ.સ. ૧૮૯૭-૯૮માં સ્ટોડર્ટ સાહેબની ટીમમાં ઓસ્ટ્રેલિયા જઇ ખૂબ જ સુંદર રમત દર્શાવી. ત્યાર પછી જ્યારે તેઓ રાજકોટ આવ્યા તો તેમને જોવા લોકો પડાપડી કરવા લાગ્યા એટલી સિદ્ધિ તેમણે મેળવેલી. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તે સમયે તેમણે કુલ ૭૨ સદીઓ નોંધાવી, તેમાંથી ૧૪ બેવડી સદીઓ હતી! તેમના ‘ગ્લાન્સ’ માટે તેઓ ખૂબ પ્રખ્યાત હતા.
ઈ.સ. ૧૯૦૭માં રાજગાદી મળતા જીવનની દિશા બદલાઈ. રાજવીનો ઉદય થયો અને ક્રિકેટરનો અસ્ત.
અંગ્રેજોને ‘રણજીત’ બોલવું ફાવે નહીં એટલે તેમણે ‘રણજી’ કરી નાંખ્યું. અને એ જ નામ ઈતિહાસમાં અમર થઇ ગયું.
તેમણે જ ક્રિકેટ બંગલાની સ્થાપના કરી અને જામનગરમાં સારા ક્રિકેટર તૈયાર થાય તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે પાઘડી પહેરીને ક્રિકેટના મેદાનમાં ઊતરતા માસ્તર ઓઘડશંકરને કોચ તરીકે નીમ્યા. ઈ.સ. ૧૯૩૪માં ‘રણજી ટ્રોફી’ શરૂ થઇ ત્યારની જામનગરની ટીમ એટલી સારી હતી કે ઈ.સ. ૧૯૩૬માં ચેમ્પિયન બનેલી.
• દુલીપ સિહજી 🏃
ભારતના ડોમેસ્ટિક માળખાની બીજી ટ્રોફી જેમના નામ સાથે જોડાયેલી છે તે દુલીપસિંહ એ રણજીતસિંહજીના ભત્રીજા. આંતરરાષ્ટ્રીય કિકેટ ઓછું રમ્યા પણ તેમનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ જબરદસ્ત રહ્યો. ૨૦૫ મેચમાં તેમણે ૪૯.૯૫ની સરેરાશથી ૧૫,૪૮૫ રન બનાવ્યા! જેમાં પ૦ સદી અને ૬૪ અર્ધી સદી સામેલ છે. સર્વાધિક સ્કોર ૩૩૩. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર ૧૨ મેચ રમ્યા તેમાં તેમણે ૫૮.૫૨ની સરેરાશથી ૯૯૫ રન બનાવ્યા, ૩ સદી, પ અર્ધી સદી અને સર્વાધિક સ્કોર ૧૭૩. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને સસેક્સ માટે રમીને તથા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના હાય કમિશ્નર તરીકે કામગીરી કર્યા પછી જ્યારે તે ભારત પરત આવ્યા ત્યારે તેમને સૌરાષ્ટ્રના ‘પબ્લિક સર્વિસ કમિશન’ના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા. નવાનગરમાં ક્રિકેટના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા.
• વિનુ માંકડ 🏃
જામનગરમાં જન્મેલા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા નામોમાં વિનુ માંકડનું નામ અચૂક લેવું પડે. એક ઓલરાન્ડર તરીકે તેમણે ક્રિકેટમાં ખૂબ જ ખ્યાતિ મેળવી. તેઓ ડોમેસ્ટિક માળખામાં અલગ-અલગ ૯ ટીમો તરફથી રમ્યા. જામનગર એટલે કે તે સમયના નવાનગરની ટીમને તેમનો લાભ ૧૯૩૬થી ૧૯૪૨ દરમિયાન મળ્યો. તેઓને જે કેટલીક વિશેષ બાબતો માટે યાદ કરાય છે તેમાં મોખરે છે તેમની ૧૯૫૬માં કરવામાં આવેલી ૪૧૩ રનની ઓપનિંગ પાર્ટનરશીપ! જે રેકોર્ડ ત્યારબાદ ૫૨ વર્ષો સુધી તૂટ્યો નહીં.
ભારત તરફથી રમેલી ૪૪ ટેસ્ટમાં તેમણે ૨૧૦૯ રન કર્યા જેમાં ૫ સદી અને છ અર્ધી સદી કરી. તેમનો સર્વાધિક સ્કોર રહ્યો ૨૩૧. તેમની ૧૬૨ વિકેટમાં ૮ વખત એક જ ઈનીગમાં ૫ વિકેટ તથા બે વખત ૧૦ વિકેટનો સમાવેશ થાય છે!
ક્રિકેટના ઇતિહાસમાં માત્ર એવા ત્રણ ક્રિકેટર્સ છે જેમણે પહેલાથી છેલ્લા દરેક ક્રમે બેટિગ કરી હોય, વિનુ માંકડ એમાંના એક છે! તેમણે ઈંગ્લેન્ડમાં જ્યારે એક જ ટેસ્ટમાં ૧૦૦થી વધુ રન અને પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી ત્યારે તેઓ એ સિદ્ધિ મેળવનારા પહેલા ભારતીય હતા. અને તે અગાઉ ૩૦ વર્ષના ગાળામાં કોઇપણ દેશના કોઇપણ ક્રિકેટર એ કરી શક્યા નહોતા. ઇંગ્લેન્ડના ના હોય એવા એ માત્ર ત્રીજા ક્રિકેટર છે જેમનું લોર્ડસના લીડર બોર્ડમાં બેટિગ અને બોલિંગ બન્નેમાં નામ છે!
જામનગરે ક્રિકેટ બંગલા પાસે તેમની લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલિંગ એક્શન ધરાવતી પ્રતિમા તેમની યાદમાં રાખેલ છે.
• સલીમ દુરાની 🏃
આમ તો જનમ્યા અફઘાનિસ્તાનમાં પણ નવાનગરના ક્રિકેટ બંગલામાં ઓલરાઉન્ડર તરીકે તૈયાર થયા. સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનની ટીમ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા. તેઓ એકમાત્ર, ટેસ્ટ રમનાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે અફઘાનિસ્તાનમાં જનમ્યા હોય. તેઓ પોતાના કેરિયર દરમિયાન સૌથી વધુ એ માટે પ્રખ્યાત રહ્યા કે તેઓ ઇચ્છે ત્યારે ‘સિક્સ’ ફટકારી શકતા. ૧૯૭૩માં તેમને જ્યારે ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા ત્યારે પ્રેક્ષકો ‘નો દુરાની, નો ટેસ્ટ’ ના સ્લોગન લઇને આવેલા.
અર્જુન એવોર્ડ મેળવનાર તેઓ પહેલા ક્રિકેટર છે. પરવીન બાબી સાથે તેમણે ‘ચરિત્ર’ નામની ફિલ્મમાં કામ પણ કર્યું. ૨૦૧૧માં તેમને સી.કે.નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો.
• અજય જાડેજા તથા રવિન્દ્ર જાડેજા🏃
અજય જાડેજા જામનગરના રાજવી ઘરાના સાથે જોડાયેલું નામ. મુખ્યત્વે જામનગરમાં રમવાનું ઓછું રહ્યું અને થયું. પણ મૂળ જામનગરના હોવાથી તેમની નોંધ અહીં અચૂક લેવી જોઇએ. પોતાની કારકિર્દી દરમિયાન મેચ વિનર તરીકે ખાસ્સી ખ્યાતિ પ્રાપ્ત કરેલી. ૧૯૯૬ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચમાં નિર્ણાયક તબક્કે બનાવાયેલા ૨૫ બોલમાં ૪૫ રન તેમના ચાહકો હજી પણ યાદ કરે છે. તેમણે અભિનય ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો. હાલ કોમેન્ટરીમાં પણ કાર્યરત રહે છે.
રવિન્દ્ર જાડેજાનું બાળપણ જામનગરમાં જ વિત્યું. ક્રિકેટ બંગલાએ જે કેટલાક એવા ક્રિકેટર્સને જન્મ આપ્યો કે જેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી, તેમાં રવિન્દ્ર જાડેજાનું નામ અચૂક લેવું પડે. જે રીતે શૂન્યમાંથી તેમણે શરૂઆત કરી તે કેટલાય યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. બહુ જ ટૂંકાગાળામાં ઓલરાઉન્ડ પરફોર્મન્સથી તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડનું ધ્યાન ખેંચ્યું. પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં ત્રણ વખત ત્રણ સોથી વધુ રન બનાવનાર વિશ્વના માત્ર અન્ય સાત ક્રિકેટરો સાથે સ્થાન મેળવ્યું. રાજકોટમાં ક્રિકેટની થીમને લઇને તેમણે બનાવેલું ‘ જડ્ડુ’ઝ’ રેસ્ટોરન્ટ’ પ્રખ્યાત છે.
#ફિલ્મ
• મેહુલકુમાર🎦
ફિલ્મક્ષેત્રે મેહુલકુમારનું નામ અજાણ્યું નથી. જામનગરની ડીકેવી કોલેજમાં ભણતા તે સમયથી તેમને નાટ્યક્ષેત્ર સાથે લગાવ હતો. શરૂઆતના અમેચ્યોર થિયેટરનું કામ જામનગરમાં રહીને કર્યા પછી ગુજરાતી ફિલ્મોમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ઘણું કામ કર્યું અને ત્યારબાદ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકે પચાસથી પણ વધુ હિટ ફિલ્મો આપી. ત્યારબાદ બોલીવુડમાં પણ એટલું જ કામ કર્યું. મહમદ બલોચ ફિલ્મોની દુનિયામાં મેહુલકુમાર તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. ડાયરેક્ટર તરીકેની તેમની કેટલીય ફિલ્મો જે તેમણે પ્રોડ્યુસ પણ કરી તેમાં તિરંગા, ક્રાંતિવીરની વિશેષ નોંધ લેવી જોઈએ. અમિતાભ સાથે તેમણે મૃત્યુદાતા ફિલ્મ બનાવેલી.
• રેમો ડી’સોઝા🎦
મૂળ જામનગરના ના હોવા છતાં બાળપણનો મોટોભાગ બાળપણમાં વિત્યો હોવાથી અહીં તેમની નોંધ લીધેલ છે. તેમના પિતા ઇન્ડીયન એરફોર્સમાં હોવાથી જામનગર આવવાનું થયું અને મોટાભાગની સ્કૂલલાઈફ અહીંયાં જ પસાર થઇ.એક હોનહાર કોરિયોગ્રાફર તરીકે તેમના નામને કોઇ વિશેષ શાબ્દિક પરિચયની જરૂર નથી. તેમણે ફાલતુ તથા એબીસીડી ભાગ ૧ અને ૨ (થ્રી ડી) ફિલ્મો બનાવી.
: ડૉ.કેતન કારિયા (લેખન – સંકલન)✍️
#Airaknatek #૨૦૧૩ #સાધના #jamnagar
(એક આખ્ખું પુસ્તક લખી શકાય તેટલા વ્યક્તિ વિશેષ ધરાવનાર ‘જામ’નગર અને દ્વારકાના ઈતિહાસ અને વર્તમાનનો શક્ય તેટલો અભ્યાસ કરી વાંચકોની સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

No comments:
Post a Comment